ગુજરાતમાં આજે પણ મેઘમહેર જારી રહી છે અને દિવસ દરમિયાન ૩૦ તાલુકામાં ૧ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આજે સવારે ૬ થી સાંજે ૬ દરમિયાન બનાસકાંઠા જિલ્લાના દાંતા-ડીસામાં સૌથી વધુ ૩.૪૨ ઈંચ, વડગામમાં ૩.૨૨ ઈંચ, સાબરકાંઠાના વિજયનગરમાં ૩.૧૪ ઈંચ, પાલનપુરમાં ૩.૦૭ ઈંચ, સુરતના ઉમરપાડામાં ૩ ઈંચ સાથે સૌથી વધુ વરસાદ નોંધાયો હતો. આજે જે તાલુકામાં ૨ ઈંચથી વધુ વરસાદ નોંધાયો તેમાં હળવદ-સતલાસણ-દસાડા-ખેડબ્રહ્મા-ડેડિયાપાડા-સાંતલપુર-સિદ્ધપુર-વડાલીનો સમાવેશ થાય છે. આ સાથે જ રાજ્યમાં ચોમાસાની વર્તમાન સિઝનમાં ૧૯ ઈંચ સાથે મોસમનો સરેરાશ ૫૭.૭૪% વરસાદ નોંધાઇ ચૂક્યો છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે શનિવારે બનાસકાંઠા-મહેસાણા-સાબરકાંઠા-પાટણ-અરવલ્લી-ગાંધીનગર-અમદાવાદ-નર્મદા-સુરત-તાપી-સુરેન્દ્રનગર-મોરબી, રવિવારે અમદાવાદ-ગાંધીનગર-ખેડા-બનાસકાંઠા-પાટણ-મહેસાણા-સાબરકાંઠા-સુરત-નવસારી-વલસાડ-સુરેન્દ્રનગર-ભાવનગર-બોટાદમાં જ્યારે સોમવારે બનાસકાંઠા-સાબરકાંઠા-મહેસાણા-પાટણ-અમદાવાદ-ગાંધીનગર-ખેડા-આણંદ-પંચમહાલ-દાહોદમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.