ભારતની મીરાબાઈ ચાનુએ ટોકિયો ઓલિમ્પિકમાં આજે વેઈટલિફ્ટિંગમાં સિલ્વર મેડલ જીતીને ઈતિહાસ સર્જી દીધો છે.
49 કિલોની કેટેગરીમાં મીરાબાઈ ચાનુએ ભારતને આ ગૌરવ અપાવ્યુ છે.ભારતને વેઈટ લિફ્ટિંગમાં આ પહેલા 21 વર્ષ અગાઉ મેડલ મળ્યો હતો.ચાનુએ ક્લીન એન્ડ જર્કમાં 115 કિલો અને સ્નેચમાં 87 કિલો સાથે 202 કિલો વજન ઉઠાવ્યુ હતુ અને સિલ્વર મેડલ પોતાના નામે કર્યો હતો.
આ પહેલા 2000માં કર્ણમ મલ્લેશ્વરીએ સિડની ઓલિમ્પિકમાં ભારતને વેઈટ લિફ્ટિંગમાં બ્રોન્ઝ મેડલ અપાવ્યો હતો.
મીરાબાઈ કરતા આગળ રહેલી ચીનની હોઉ જિઉઈએ 210 કિલો વજન ઉઠાવીને ગોલ્ડ અને ઈન્ડોનેશિયાની એસાહ વિંડી કાંટિકાએ 194 કિલો વજન ઉંચકીને બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.
મીરાબાઈની સફળતાથી દેશ ઝુમી ઉઠ્યો છે.પીએમ મોદી, રાષ્ટ્રપતિ કોવિંદ સહિતના નેતાઓ મીરાબાઈને અભિનંદન આપી રહ્યા છે.આ પહેલા ચાનુ 2017માં 48 કિલો કેટેગરીમાં ચેમ્પિન બની હતી.જોકે 2016માં તેના માટે રિયો ઓલિમ્પિક નિરાશજનક રહી હતી.જ્યારે 2018ની કોમનવેલ્થ ગેમ્સમાં તેને ગોલ્ડ મેડલ મળ્યો હતો.
26 વર્ષીય ચાનુએ છેલ્લા કેટલાક વર્ષોથી પોતાની રમતમાં સતત સુધારો કર્યો છે.મીરાબાઈ ટ્રેનિંગ માટે એક મેથી અમેરિકા ગઈ હતી.ત્યાંથી તે ઓલિમ્પિકમાં ભાગ લેવા માટે જાપાન રવાના થઈ હતી.