PM Modi 71st Birthday: આ પહેલા દેશમાં છઠ્ઠી સપ્ટેમ્બર, 31 ઓગસ્ટ, 27 ઓગસ્ટના રોજ એક કરોડથી વધારે ડોઝ આપવામાં આવ્યા હતા.
PM Modi 71st Birthday: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi birthday)ના જન્મ દિવસે રસીકરણને લઈને દેશમાં રેકોર્ડ બન્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા (Mansukh Mandaviya)એ માહિતી આપી છે કે, દેશમાં એક જ દિવસમાં 2.50 કરોડથી વધુ લોકોનું રસીકરણ (Record vaccination on PM birthday) કરવામાં આવ્યું છે, જે એક વિશ્વ રેકોર્ડ (World record on vaccination) છે. માંડવિયાએ કહ્યુ છે કે ભારતમાં એક દિવસમાં કોરોના રસીકરણનો વિશ્વ રેકોર્ડ બન્યો છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસે 2.50 કરોડથી વધારો લોકોનું રસીકરણ થયું છે. શુક્રવારે પીએમ મોદીનો 71મો જન્મ દિવસ હતો. ગુજરાતની વાત કરીએ તો એક જ દિવસમાં રેકોર્ડબ્રેક 23,68,006 લોકોનું રસીકરણ થયું છે.
આ રેકોર્ડની પ્રશંસા કરતા પીએમ મોદીએ ટ્વીટ કર્યું કે, “દરેક ભારતીય આજે રેકોર્ડ સંખ્યામાં કરવામાં આવેલા રસીકરણને લઈને ગૌરવની લાગણી અનુભવી રહ્યો છે. રસીકરણ અભિયાનને સફળ બનાવવા માટે આપણા ડોક્ટરો, સંશોધકો, તંત્ર, નર્સો, સ્વાસ્થ્ય સેવા અને અગ્રિમ મોરચાના તમામ કર્મચારીઓની હું પ્રશંસા કરું છું. કોવિડ-19ને હરાવવા માટે રસીકરણ વધારતા રહો.”
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસખ માંડવિયાએ ટ્વીટ કર્યું, “વેક્સીન સેવા ચરિતાર્થ કરતા સ્વાસ્થ્યકર્મીઓ અને દેશવાસીઓ તરફથી વડાપ્રધાન મોદી જીને ભેટ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસે આજે ભારતે નવો કીર્તિમાન સ્થાપિત કરતા એક જ દિવસમાં અઢી કરોડ ડોઝ આપવાનો ઐતિહાસિક આંકડો પાર કર્યો છે.”
દેશમાં છઠ્ઠી સપ્ટેમ્બર, 31 ઓગસ્ટ, 27 ઓગસ્ટના રોજ એક કરોડથી વધારે ડોઝ આપવામાં આવ્યા હતા. માંડવિયાએ ગુરુવારે કહ્યુ હતુ કે જેમણે કોરોનાની વેક્સીન નથી લીધી તેઓ પોતે, પરિવારના લોકો, સમાજના લોકો શુક્રવારે વેક્સીન લગાવીને વડાપ્રધાન મોદીને જન્મ દિવસની ભેટ આપે.
મંત્રાલયના જણાવ્યા પ્રમાણે ભારતમાં રસીકરણના 10 કરોડના આંકડા સુધી પહોંચતા 85 દિવસ લાગ્યા હતા. જેના 45 દિવસમાં 20 કરોડ ડોઝ તથા 29 દિવસ પછી 30 કરોડ ડોઝનો આંકડો પાર થઈ ગયો હતો. જ્યારે 30 કરોડથી 40 કરોડ સુધી પહોંચતા 24 દિવસ લાગ્યા હતા. જેના 20 દિવસ પછી છઠી ઓગસ્ટના રોજ આંકડો 50 કરોડ પહોંચી ગયો હતો. તેના ફક્ત 13 દિવસમાં રસીકરણનો આંકડો 60 કરોડ સુધી પહોંચી ગયો હતો. મંત્રાલય પ્રમાણે 13 સપ્ટેમ્બર, 2021 સુધી દેશમાં 75 કરોડ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.