વિરામ બાદ રાજ્યમાં મેઘરાજાની સવારી આવી: આગામી પાંચ દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે મૂશળધાર

રાજ્યમાં અત્યાર સુધી 17 ઓગસ્ટ સુધી અંતિત 311.82 મીમી વરસાદ થયો છે. જે પાછલા ત્રીસ વર્ષની રાજ્યની એવરેજ 840 મી.મીની સરખામણીએ 37.12 ટકા છે.

ગુજરાતમાં (Gujarat) લાંબા વિરામ બાદ વરસાદનું (Rainfall) આગમન થતા લોકોમાં ખુશીનો માહોલ છવાયો છે. ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદ વરસતા ખેડૂતોએ (Farmers) રાહતનો શ્વાસ લીધો છે. ત્યારે સામાન્ય પ્રજા પણ ગરમીમાંથી રાહત મળી છે. અમદાવાદ, વડોદરા, ખેડા, પંચમહાલ, દાહોદમાં ગઈકાલ રાતે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. ત્યારે હવામાન વિભાગે (weather forecast) આગામી દિવસોમાં વરસાદી માહોલ જોવા મળશે તેવી આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે સામાન્યથી ભારે વરસાદની આગાહી છે. રાજયમાં હજુ 50 ટકા વરસાદની ઘટ છે.

4 જિલ્લાના 8 તાલુકામાં વરસાદ

ગઇકાલે 4 જિલ્લાના 8 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. અમદાવાદમાં મોડી રાતે વીજળીનાં કડાકા અને પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. આ સાથે વડોદરા શહેર અને જિલ્લામાં પણ ભારે વરસાદ પડ્યો હતો. પંચમહાલ જિલ્લામાં રાત્રી દરમ્યાન સાર્વત્રિક વરસાદ નોંધાયો. ક્યાંક ભારે ઝાપટા તો કયાંક હળવો વરસાદ જોવા મળ્યો. જિલ્લામાં સૌથી વધુ પોણા બે ઈંચ (૪૩મીમી) વરસાદ જાંબુઘોડામાં નોંધાયો. તો ગોધરામાં 10 મીમી, હાલોલમાં 10 મીમી, કાલોલમાં 6 મીમી, શહેરામાં 2 મીમી, મોરવા હડફમાં 13 મીમી અને ઘોઘંબામાં 7 મીમી વરસાદ નોંધાયો. જિલ્લામાં હાલ પણ વરસાદી આગમનની છડી પોકારતું વાતાવરણ જોવા મળ્યું છે. મોડાસા શહેરમાં મેઘરાજાની પધરામણી થઇ હતી. આ ઉપરાંત માલપુર, સજ્જનપુરાકંપા, શીણાવાડમાં વરસાદ વરસ્યો હતો. બોટાદના ગઢડામા લાંબા વિરામ બાદ એકાએક રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો હતો. લાંબા વિરામ બાદ વરસાદ આવતા હતાશ થયેલા ધરતીપુત્રોમાં જીવમાં જીવ આવ્યો છે.

બે દિવસ દક્ષિણ ગુજરાત માટે ભારે

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના રાહત કમિશનર અને અધિક સચિવના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગૃપની બેઠક યોજાઇ હતી. જેમાં IMDના અઘિકારીએ જણાવ્યું છે કે, પાંચ દિવસની હવામાનની આગાહી જોતાં ગુજરાત રાજયમાં હાલ ઓછા વરસાદની સંભાવના છે. જોકે આગામી બે દિવસમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના રહેલી છે. રાજ્યમાં મોસમનો અત્યાર સુધીમાં 311.82 મી.મી. વરસાદ નોંધાયો છે.

વરસાદ એકધારો નહીં પડે

તેમણે વધુમાં જણાવ્યું કે, તા. 18 અને 19 ઓગસ્ટથી ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. ધીરે ધીરે આ વરસાદનું વહન આગળ વધશે. 21થી 23 ઓગસ્ટમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. જે બાદ ફરી 25 થી 28 ઓગસ્ટમાં પણ વરસાદની શક્યતા રહેશે. પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો તેમજ સમગ્ર ગુજરાતના કેટલાક ભાગોમાં પણ વરસાદની શક્યતા રહેશે. પરંતુ વરસાદ એકધારો નહીં પડે. કોઈ ભાગમાં પડશે કોઈ ભાગમાં નહીં પણ પડે. આ બધામાં મધ્ય ગુજરાતના ભાગોમાં તેમજ પૂર્વ મધ્ય ગુજરાતના પંચમહાલ ભાગમાં સારો વરસાદ પડશે. તેમજ અરવલ્લી, સાબરકાંઠા, પાલનપુર, મહેસાણાના ભાગો, બેચરાજી, સમી, વગેરે ભાગોમાં વરસાદ પડશે, તેમજ સુરેન્દ્રનગર ભાગોમાં કેટલાક સમયથી વરસાદ નથી તેવા પાટડી, દસાડા સહિતના વિસ્તારમાં વરસાદ રહેશે.

રાજ્યમાં કુલ 311.82 મીમી વરસાદ થયો

રાહત કમિશનરે જણાવ્યુ કે, મંગળવારે સવારે 6થી બપોરના 2 સુધી રાજ્યમાં 4 જિલ્લાના 8 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે ડાંગ જિલ્લાના વધઈ તાલુકામાં 21 મી.મી. વરસાદ પડ્યો છે. રાજ્યમાં અત્યાર સુધી 17 ઓગસ્ટ સુધી અંતિત 311.82 મીમી વરસાદ થયો છે. જે પાછલા ત્રીસ વર્ષની રાજ્યની એવરેજ 840 મી.મીની સરખામણીએ 37.12 ટકા છે. કૃષિ વિભાગના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ચાલુ વર્ષે તા. 17 ઓગસ્ટ સુધીમાં અંદાજીત 78.83 લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર થયું છે. ગત વર્ષે આ સમયગાળા દરમિયાન 78.02 લાખ હેક્ટર વાવેતર થયેલ હતું. આ વર્ષે છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ વાવેતર વિસ્તારની સામે 92.15 ટકા વાવેતર થયેલ છે.

અંબાલાલ પટેલે શું કરી આગાહી?

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે કરેલી વરસાદની આગાહી કરતા જણાવ્યું કે, મઘા નક્ષત્રમાં જે વરસાદ થાય છે. તેના લીધે પાક સારો થાય છે. જો વરસે મઘા તો ધાનના થાય ઢગ. આ મઘા નક્ષત્રનાં પાણી અમૂલ્ય હોય છે. આ વરસાદથી તાપી નદીના જળસ્ત્રોત અને નર્મદાની સપાટી વધશે. 30મી ઓગસ્ટ બાદ પૂર્વા ફાલ્ગુની નક્ષત્રનું કામ સારું હોતું નથી.

આ નક્ષત્રમાં પાક બગડી જતો હોય છે. ઉત્તરા ફાલ્ગુનીમાં વાવેતર કરવું સારું ત્યારે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં જે વરસાદ આવશે તે 13 સપ્ટેમ્બર આસપાસ થશે. 25 ઓક્ટોબર સુધી પડનાર વરસાદનું પાણી સારું ગણાય છે અને આ વરસાદી પાણીથી પાકો સારા ગણાય છે.

Total
0
Shares
Previous Article

OLA e-scooter Launch: કંપનીએ બે વેરિઅન્ટમાં લોન્ચ કર્યું પહેલું ઇ સ્કૂટર, જાણો તેની કિંમત

Next Article

Motorolaએ 108MP કેમેરાવાળા બે સ્માર્ટફોન કર્યા લોન્ચ, અહીં જાણો કિંમત અને ખાસ ફીચર્સ

Related Posts
Read More

21મી સપ્ટેમ્બર સુધી મેઘરાજા રહેશે મહેરબાન, જાણો રાજ્યના કયા વિસ્તારોમાં પડશે ભારેથી અતિભારે વરસાદ

19થી 21 સપ્ટેમ્બર સુધી મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતના (Gujarat) સૌરાષ્ટ્ર અને…
Read More

હાઇવે પર બસ ચલાવતી વખતે ડ્રાઈવર સુઈ જતા ટ્રક સાથે ટક્કર થઇ અને 30 લોકોના મોત, 74 ઘાયલ,

પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં એક પેસેન્જર બસ અને ટ્રકની ટક્કરમાં ૩૦ લોકોનાં મોત થયા હતા અને 74 લોકો ઘાયલ…
Read More

જન્માષ્ટમી અને ગણેશોત્સવને ધ્યાનમાં રાખી રાજ્ય સરકારે કરી મહત્વની જાહેરાત

રાજ્યમાં જન્માષ્ટમી (Janmashtami)અને ગણેશોત્સવના (Ganeshotsav)આગામી તહેવારોની ઉજવણી લોકો કરી શકે તે હેતુસર મુખ્યમંત્રી વિજય રૂપાણીની (Chief Minister Vijay…
Read More

આગાહી! ગુજરાતમાં 19-20 ઓગસ્ટે ભારેથી મધ્યમ વરસાદ, જોઈલો તમારા જિલ્લામાં કેવો વરસાદ રહેશે

દક્ષિણ ગુજરાતના ડાંગ અને વલસાડ જિલ્લામાં કેટલાક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી ગુજરાતમાં આગામી…
Total
0
Share