આ વર્ષે 190.50 રૂપિયા મોંઘો થયો રાંધણ ગેસ સિલિન્ડર, જાણો સપ્ટેમ્બરમાં કેટલો થયો ભાવવધારો.
સપ્ટેમ્બર મહિનાના પહેલા દિવસે સામાન્ય જનતાને મોટો આંચકો લાગ્યો છે. સરકારી ઓઇલ કંપનીઓએ ફરી એકવાર ઘરેલુ રાંધણ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો (LPG Gas Cylinder Price Hike) કર્યો છે. દેશની સૌથી મોટી સરકારી ઓઇલ કંપની ઈન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOC)એ સબ્સિડી વગરના 14.2 કિલોગ્રામ ગેસ સિલિન્ડરની કિંમતમાં 25 રૂપિયાનો વધારો કર્યો છે. બીજી તરફ, 19 કિલોગ્રામ કોમર્શિયલ ગેસ સિલિન્ડરનના ભાવમાં 75 રૂપિયાનો વધારો ઝીંકાયો છે.
હવે દિલ્હીમાં 14.2 કિલોગ્રામના એલપીજી સિલિન્ડરનો ભાવ (Delhi LPG Cylinder Rate) 884.50 રૂપિયા થઈ ગયો છે. જ્યારે આ પહેલા તે 859.50 રૂપિયા પર મળી રહ્યો હતો. નોંધનીય છે કે, આ પહેલા 18 ઓગસ્ટે રાંધણ ગેસ સિલિન્ડરની કિંમતમાં 25.50 રૂપિયાનો વધારો કરાયો હતો. દિલ્હીમાં રાંધણ ગેસની કિંમત 834.50 રૂપિયાથી વધારીને 859.50 રૂપિયા કરવામાં આવી હતી. 15 દિવસમાં સબ્સિડી વગરનો એલપીજી સિલિન્ડર 50 રૂપિયા મોંઘો થઈ ગયો હતો.
સબ્સિડી વગરના 14.2 કિલોગ્રામ સિલિન્ડરનો નવો ભાવ
દિલ્હીમાં સબ્સિડી વગરના 14.2 કિલોગ્રામ સિલિન્ડરનો ભાવ 859.50 રૂપિયાથી વધીને 884.50 રૂપિયા થઈ ગયો. કોલકાતામાં રાંધણ ગેસ સિલિન્ડરનો ભાવ હવે 911 રૂપિયા થઈ ગયો.
19 કિલોગ્રામ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના નવા ભાવ
દિલ્હીમાં 19 કિલોગ્રામ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત 1693 રૂપિયા છે. કોલકાતામાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો ભાવ 1772 રૂપિયા, મુંબઈમાં 1649 રૂપિયા અને ચેન્નઇમાં 1831 રૂપિયા પ્રતિ સિલિન્ડર છે.
આ વર્ષે 190.50 રૂપિયા મોંઘો થયો રાંધણ ગેસ સિલિન્ડર
સરકારી ઓઇલ કંપનીઓ (Government Oil Companies) દર મહિનાની પહેલી તારીખે ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર કરે છે. વર્ષ 2021ની શરૂઆતમાં એટલે કે જાન્યુઆરી મહિનામાં દિલ્હીમાં રાંધણ ગેસ સિલિન્ડરની કિંમત 694 રૂપિયા હતી, જે હવે વધીને 884.50 રૂપિયા થઈ ગઈ છે. આમ, 9 મહિનામાં એલપીજી સિલિન્ડરની કિંમતમાં 190.50 રૂપિયાનો વધારો થઈ ચૂક્યો છે.
વોટ્સએપના માધ્યમથી રિફિલ કરાવી શકાય છે ગેસ સિલિન્ડર
ઇન્ડેન કંપનીના કસ્ટમર LPG ગેસ સિલિન્ડરનું બુકિંગ 7718955555 પર ફોન કરીને કરાવી શકે છે. આ ઉપરાંત વોટ્સએપ પર REFILL લખીને 7588888824 પર વોટ્સએપ કરો. ગ્રાહકોને માત્ર એટલું ધ્યાન રાખવાનું છે કે રજિસ્ટર્ડ મોબાઇલ નંબરથી જ વોટ્સએપ કરો.