મધ્ય ગુજરાતના ઉમરેઠમાં ઈ-ધરા વિભાગમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતો જયપ્રકાશ સોલંકી એક બિલ્ડર પાસેથી રૂપિયા 2.25ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો.
- ઉમરેઠનો નાયબ મામલતદાર ACBના છટકામાં
- સવા બે લાખની બિલ્ડર પાસે માંગી હતી લાંચ
- ACB હવે જયપ્રકાશ સોલંકીનું માપશે ક્ષેત્રફળ
જમીનના ક્ષેત્રફળના બદલામાં પોતાનું ક્ષેત્રફળ વધારવાના મનસુબા ઘડતો મધ્યગુજરાતના ઉમેરેઠનો નાયબ મામલતદાર નડિયાદ ACBનાં હાથે રંગેહાથ ઝડપાઈ જતા ચકચાર મચી ગઈ છે.હવે ACB એ તપાસમાં લાગી છે કે, કોના-કોના ક્ષેત્રફળ બદલવામાં અગાઉ આ નાયબ મામલતદાર પોતાનું ક્ષેત્રફળ વિસ્તારી ચુક્યો છે.
જમીન ક્ષેત્રફળ સુધારણા માટે માંગી લાંચ
ગુજરાતમાં નવી સરકાર આવતા જ એન્ટી કરપ્શન બ્યુરોએ પોતાનો સપાટો જારી રાખ્યો છે. મધ્ય ગુજરાતના ઉમરેઠમાં ઈ-ધરા વિભાગમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતો જયપ્રકાશ સોલંકી એક બિલ્ડર પાસેથી રૂપિયા 2.25ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો છે.નડિયાદ ACB એ એક છ્ટકાના રૂપમાં બિલ્ડરને સાથે રાખી નાયબ મામલતદારને ઝડપી લીધો હતો. ઉમરેઠમાં ઈ ધરા ઓફીસ પર નજીકના ભાલેજના એક બિલ્ડર નાયબ મામલતદાર સોલંકી પાસે આવ્યા અને તેમણે હાલમા જ 11 વીઘા જેટલી જમીન ખરીદી હતી. તેમને જમીનના ક્ષેત્રફળમાં કોઈ ખામી જણાતા,સુધારણા દસ્તાવેજના માધ્યમથી વેંચાણ દસ્તાવેજની પાકી નોંધ પ્રમાણિત કરવા જરૂર લાગી હતી.
ત્રણ લાખ માંગ્યા;સવા બેમાં ‘ડીલ’ પાકી
નાયબ મામલતદાર જયપ્રકાશ સોલંકીએ આ સઘળું કાર્ય સાંગોપાંગ પાર પાડી દેવાની ખાતરી સાથે રૂપિયા 3 લાખની માંગણી કરી હતી. જો કે, ભાવતાલમાં રકઝક બાદ છેલ્લે રૂપિયા 2.25 લાખમાં બંને પક્ષે કામ મંજૂર કરાયું હતું.
.ACBની જાળમાં રંગેહાથ ઝડપાયો જે.પી
નાયબ મામલતદાર જયપ્રકાશને ક્યા ખબર હતી કે, આ ‘ડીલ’એક છટકામાં પરિવર્તિત થશે. બિલ્ડરના ભત્રીજાએ જ નડિયાદ એન્ટી કરપ્શન બ્યુરોમાં આવી ‘ડીલ’ની જાણ કરી દીધી હતી.નડિયાદના લાંચ-રુશ્વત વિરોધી ખાતાએ ઉમરેઠના નાયબ મામલતદાર જે.પી પર જાળ બિછાવી. બંને પક્ષે નિયત કરાયેલી જગ્યા ભાલેજ-તાડપુરા ચોકડી નજીક નાયબ મામલતદાર સોલંકી નક્કી થયેલી રકમ લેવા પહોચ્યા કે તુરત જ લાંચ-રુશ્વત વિરોધી ખાતાના પોલીસ ઇન્સ.ચૌધરી સહિતનો સ્ટાફ,સોલંકીને ઘેરી વળ્યો. ઘટના સ્થળે જ કેલિક જરૂરી કાર્યવાહી બાદ, નાયબ મામલતદાર જયપ્રકાશને અટકમાં લઇ, વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે.
લંબાશે તપાસનો દોર
નાયબ મામલતદાર જયપ્રકાશ ઉમરેઠ ક્યારથી હતો અને અગાઉ ક્યા-ક્યાં ફરજ બજાવી છે અને તેની મિલકત પ્રમાણસર છે કે કેમ ? એ સઘળી દિશામાં તપાસનો દોર લંબાશે.