મુંબઇમાં ભારે વરસાદના કારણે લોકોના જીવન ને બહરે અસર થઇ છે. ભારે વરસાદને કારણે અહીં અન્ડરગ્રાઉન્ડ પાર્કિંગની જગ્યામાં પાણી ભરાઈ ગયું હતું. જેમાં મોંઘીદાટ કાર, બાઇક અને ઓટો રીક્ષા સહિતના 400 જેટલા વાહનો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. કાંદિવલીના ઠાકુર સંકુલમાં મુંબઇ નાગરિક સંસ્થા દ્વારા પાર્કિંગનું નિર્માણ કરાયું હતું.
એક કાર્યકરે સોમવારે આ દાવો કર્યો હતો. BMCએ અસરગ્રસ્ત વાહનોની ચોક્કસ સંખ્યા આપી ન હતી પરંતુ જણાવ્યું હતું કે તે જગ્યાના સંચાલન કરનાર ખાનગી કોન્ટ્રાક્ટર સાથે કરારનો અભ્યાસ કર્યા પછી વાહન માલિકોને વળતર ચૂકવવાની સંભાવના પર ધ્યાન આપશે.
શનિવારની રાતથી પડેલા મુશળધાર વરસાદને કારણે વરસાદનું પાણી ખાનગી કોન્ટ્રાક્ટર દ્વારા સંચાલિત એક નાગરિક સંસ્થાના પાર્કિંગમાં પ્રવેશ્યું હતું. આને કારણે ત્યાં પાર્ક કરેલા બે, ત્રણ વ્હીલર અને ફોર વ્હીલર વાહનો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. સ્થાનિક નાગરિકો અને કાર્યકરોએ જણાવ્યું હતું કે રવિવારે સવારે પાર્કિંગમાં 15 ફૂટ પાણી હતું અને 400 જેટલા વાહનો ડૂબી ગયા હતા.
ઓડી જેવી મોંઘી કાર સહિત અનેક ઓટો રિક્ષા, ટુ વ્હીલર્સ અને અન્ય કાર પણ ડૂબી ગઈ હોવાનું જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, રવિવાર સવારથી પાણી કાઢવામાં આવી રહ્યું છે, પરંતુ પાર્કિંગની અંદર હજી ત્રણ ફૂટ જેટલું પાણી ભરાયેલું છે.