વિદ્યાનગર ખાતે આવેલી સરદાર પટેલ યુનિવર્સિટીમાં નર્સિંગના વિદ્યાર્થી બાદ ફિઝીયોથેરાપીના વિદ્યાર્થીઓએ માસ પ્રમોશન આપવાની માગણી સાથે ગુરૂવારના રોજ સૂત્રોચ્ચાર, રેલી સાથે દેખાવો કર્યાં હતાં. તેમાંય અડધા કલાક સુધી વાઇસ ચાન્સેલર વિદ્યાર્થીઓની રજુઆત સાંભળવા ન આવતા વાતાવરણ ગરમ થઇ ગયું હતું. એટલે કે સુધી કે મામલો તૂતૂ મેંમેં પર પહોંચી ગયો હતો.
વિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતાં ફિઝિયોથેરાપીના વિદ્યાર્થીઓ કોરોના કાળની પહેલી અને બીજી લહેરમાં વેક્સીનેશન અને કોરોના દર્દીઓની બીજી ઘણી સેવા વિદ્યાર્થીઓએ કરી છે. આ અંગે વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે, કોરોના કાળના કારણે અમારી ઘણી બધી કોલેજોમાં અભ્યાસક્રમ પ્રેક્ટીકલ, પોસ્ટીંગ ઘણું બધું બાકી રહી ગયું છે. આવી પરિસ્થિતિ માત્ર એસપી યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં જ નહીં પરંતુ બીજી યુનિવર્સિટીમાં પણ થઇ છે. પરંતુ બીજી યુનિવર્સિટીએ છેલ્લા વર્ષ સિવાયના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપ્યાં છે. વળી એસપી યુનિવર્સિટીએ પણ આ બાબતે જ્યારે અભ્યાસક્રમ પ્રેક્ટિકલ, પોસ્ટીંગ ઘણા અંશે બાકી હોય તો માત્ર પરીક્ષા લેવાની જીદ સાથે પરીક્ષા લેવાને બદલે બીજી યુનિવર્સિટીની જેમ માસ પ્રમોશન આપવું જોઈએ. જ્યારે 40 માર્કની પેપર સ્ટાઇલ નક્કી કરી હોય. પરંતુ પુરેપુરો સિલેબસ 80 માર્ક્સના હોય અને તેમાં પણ સમક્ષ વિદ્યાર્થીઓને ભણાવવામાં આવ્યું ન હોય તો અધુરૂં જ્ઞાન વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે ખતરનાક સાબિત થઇ શકે છે. આથી, અન્ય યુનિવર્સિટીની જેમ માસ પ્રમોશન આપવા માગણી છે.
ફિઝિયોથેરાપીના વિદ્યાર્થીઓએ ભાઈકાકા લાયબ્રેરીથી સૂત્રોચ્ચાર સાથે રેલી યોજી હતી અને યુનિવર્સિટીના કમ્પાઉન્ડ સુધી પહોંચ્યાં હતાં. જોકે, અડધા કલાક સુધી સુત્રોચ્ચાર કરવા છતાં વાઇસ ચાન્સેલર ન આવતા વિદ્યાર્થીઓએ ઉહાપોહ મચાવ્યો હતો. આખરે તેઓ આવ્યા બાદ વિદ્યાર્થી નેતાઓ સાથે ચર્ચા દરમિયાન તૂતૂ મેંમેં થઇ હતી. આખરે વીસીએ સ્પષ્ટ શબ્દો કહી દીધું કે પરીક્ષા તો લેવાશે જ. તેમ કહી જતાં રહ્યાં હતાં. જેને કારણે રોષે ભરાયેલા વિદ્યાર્થીઓને કાબુમાં કરવા પોલીસે વિદ્યાર્થી નેતાની અટકાયત કરી હતી.