વડોદરાઃ સ્વામિનારાયણ મંદિર હરિધામ અને યોગી ડિવાઈન સોસાયટીના સ્થાપક પૂ.હરિપ્રસાદ સ્વામીજી (Hariprasad Swami) સોમવારે રાત્રે 11 વાગ્યે 88 વર્ષની વયે બ્રહ્મલીન થયા છે. જે બાદ હજારો ભાવિકોમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે. આજે તેમના પાર્થિવ દેહને દર્શનાર્થે (last Darshan of Hariprasad Swami) મૂકવામાં આવ્યો છે. ત્યારે હજારોની સંખ્યામાં તેમના ભક્તો તેમની અંતિમ ઝલક મેળવવા આવી ગયા છે. ભક્તો દાસનાં દાસના અંતિમ દર્શન કરીને ચોંધાર આંસુએ રડી રહ્યાં છે. જેમાં અનેક યુવાનો પણ તેમાં જોડાયા છે. હરિધામ સોખડા (Haridham Sokhda) ખાતે મંદિરની બહાર એક કિલોમીટર સુધીની લાંબી લાઇનો છે. ત્રણ તબક્કામાં હરિભક્તોને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.
હરિભક્તોની આંખો નમ છે, અનેક ભક્તો તેમને યાદ કરીને ધ્રુસકેને ધ્રુસકે રડી રહ્યાં છે.
હરિભક્તો કહી રહ્યાં છે, કે અમે હરિપ્રસાદ સ્વામીજીનાં જીવન પરથી બોધ લઇને તેમને આપેલા આશીર્વચનોનું પાલન કરીશું. કોઇ આપણી તરફ આત્મીય બને કે ન બને પણ જાતે આત્મીય બનીને અન્યોની સેવા કરીશું. આજે મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે જોડાયા છે. ત્યારે બધા હરિભક્તોને માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવાનું જણાવવામાં આવ્યું છે.
નોંધનીય છે કે, હરિપ્રસાદ સ્વામીના નશ્વર દેહને શનિવાર 31 જુલાઈ સુધી ભક્તોના દર્શનાર્થે મુકવામાં આવશે. ત્યારબાદ 1 ઓગસ્ટે બપોરે 2.30 કલાકે અંતિમ સંસ્કાર વિધિ કરવામાં આવશે છે. જેમાં મોટી સંખ્યામાં હરિભક્તો દર્શન કરવા આવશે. પ્રદેશ પ્રમાણે, દર્શન માટેનો દિવસ અને સમય નક્કી કરાયો છે.
આપને જણાવીએ કે, હરિપ્રસાદ સ્વામીને ફેબુ્રઆરી માસથી કિડનીની બીમારી હતી અને આ જ બીમારી તેમની વિદાયનું કારાણ બની હતી. 25 જુલાઈએ ડાયાલિસિસ બાદ તેમની તબિયત વધારે ખરાબ થઈ હતી.તેમને 26 જુલાઈએ સાંજે સોખડા હરિધામથી ગોરવા વિસ્તારની ભાઇલાલ અમીન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યાં તેઓ રાત્રે 11 વાગ્યે બ્રહ્મલીન થયા હતા.
આ ખબર વાયુવેગે હરિભક્તોમાં પ્રસરી ગઈ હતી અને સવાર સુધીમાં તો હોસ્પિટલની બહાર હજારો ભાવિકો ઉમટી પડયા હતા. ઘણા ભાવિકો ચોધાર આંસુએ રડતા જોવા મળ્યા હતા.બપોરે તેમના પાર્થિવ દેહને સોખડા હરિધામ મંદિર ખાતે લઈ જવાયો હતો.હરિધામ ખાતે ફૂલોની ચાદર બિછાવવામાં આવી હતી. ગોરવાથી હરિધામ સુધીના રસ્તા પર હજારો ભાવિકો પણ દર્શન માટે ઉભેલા જોવા મળ્યા હતા. (હરિપ્રસાદ સ્વામીની અંતિમ તસવીર)