મુંબઈ : ભારતીય ક્રિકેટ ટીમ આવતા વર્ષે પાકિસ્તાનમાં યોજાનાર એશિયા કપ(Asia Cup 2023)માં ભાગ લેવા નહીં જાય તેના કારણે એશિયા કપ પણ પાકિસ્તાનની જગ્યાએ તટસ્થ દેશમાં ખસેડાશે તેવા સંજોગો નિર્માણ પામ્યા છે. ભારતીય ક્રિકેટ બોર્ડની એ.જી.એમ.માં આજે એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે ભારતીય ક્રિકેટ ટીમ એશિયા કપ ભલે બહુરાષ્ટ્રીય ટુર્નામેન્ટ હોય તો પણ પાકિસ્તાનમાં રમવા માટે નહીં જાય. ભારતીય ક્રિકેટ બોર્ડના આવા નિર્ણયથી ક્રિકેટ જગતમાં અને વિશેષ કરીને પાકિસ્તાનમાં હલચલ મચી ગઈ હતી.
રમીઝ રાજાએ ભારે રોષ સાથે ધમકી આપી
- ”અમે ભારતમાં વર્લ્ડ કપ રમવા નહીં જઈએ”: પાક. બોર્ડની શેખી
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચેરમેન રમીઝ રાજાએ ભારે રોષ સાથે ધમકી આપી છે કે જો ભારત એશિયા કપ(Asia Cup 2023) રમવા નહીં આવે તો અમે આવતા વર્ષે ભારતમાં યોજનારા વનડેના વર્લ્ડ કપમાં ભાગ લેવા નહીં જઈએ.
આમ તો ભારત અને પાકિસ્તાન બંને વચ્ચે દ્વીપક્ષિય ક્રિકેટ રમવાનાં સંબંધ રાજકીય તનાવ અને પાકિસ્તાન પ્રેરિત આતંકવાદ હજુ પણ પ્રવર્તતો હોઈ દોઢ દાયકાથી નથી. ભારત પાકિસ્તાનમાં છેલ્લે ૨૦૦૮માં એશિયા કપ રમ્યું હતું.
આમ છતાં આઇસીસી આયોજિત બહુરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં પાકિસ્તાન સામે ભારત રમશે તેવું ઠરાવવામાં આવ્યું હોઈ એશિયા કપ, ચેમ્પિયન્સ ટ્રોફી કે ટી-૨૦ અને વન ડેના વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલાઓ થતા જ રહ્યા છે. પાકિસ્તાન ભારતમાં આવીને પણ બહુરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં રમ્યું છે. જોકે ભારત માટે આટલા વર્ષોમાં નિર્ણાયક સમય નહોતો આવ્યો તેનું કારણ એ હતું કે સલામતિના કારણોસર પાકિસ્તાનને ભોગે કોઈ ટુર્નામેન્ટ આઇસીસી દ્વારા અપાતી જ નહોતી. અન્ય દેશો પણ પાકિસ્તાન રમવા જવા તૈયાર નહોતા.
પણ છેલ્લા દોઢેક વર્ષથી ક્રમશઃ અન્ય ટીમો પાકિસ્તાન જતી થઇ છે. પાકિસ્તાન ક્રિકેટ લીગમાં પણ ભાગ લે છે. આવતા વર્ષ સુધીમાં પણ પાકિસ્તાનનું ક્રિકેટ પુનઃ સ્થાપિત વધુ થઈ ગયું હશે અને એશિયા કપ રમવા જવા માટે વિદેશી ટીમોને વાંધો નહીં હોય.
રોટેશન પ્રમાણે Asia Cup નો વારો ૨૦૨૩માં પાકિસ્તાનનો છે.
ભારત અને અન્ય દેશોથી પાકિસ્તાનમાં રમવાના સંદર્ભમાં સ્થિતિ જુદી છે. અગાઉની પાકિસ્તાનના ભાગની ટુર્નામેન્ટ યુ.એ.ઇ.માં યોજવી પડી છે. પણ પાકિસ્તાન હવે ઘરઆંગણે યજમાન માટે સજ્જ છે. ભારત સિવાય કોઇ દેશને વાંધો નથી. ભારતના પાકિસ્તાન જોડેના સંબંધો તો વણસ્યા જ છે પણ પાકિસ્તાન પ્રેરિત આતંકવાદ કાશ્મીરમાં જારી જ છે.
પાકિસ્તાન બોર્ડને આર્થિક રીતે પગભર થવા ભારત સામે રમવું અત્યંત જરૂરી
પાકિસ્તાન ભારત ન ભાગ લે તો કંઈ નહીં તેના વગર અમે એશિયા કપ યોજીશું તેવું પણ કરી શકે તેમ નથી. કેમ કે એશિયા કપમાં ભારત ભાગ ન લે તો કયાં યોજવો તેનો આખરી નિર્ણય એશિયન ક્રિકેટ કાઉન્સિલને લેવાનો હોય છે. અને આ સંસ્થાના ચીફ પણ ભારતીય ક્રિકેટ બોર્ડના સેક્રેટરી જય શાહ જ છે. તેમણે પાકિસ્તાનમાં ભારત એશિયા કપ રમવાનું નહીં હોઈ એશિયા કપ તટસ્થ દેશમાં યોજવાનો નિર્ણય એશિયન ક્રિકેટ કાઉન્સિલ લેશે તેવો અણસાર આપ્યો છે.
ભારતીય ક્રિકેટ બોર્ડની તિજોરીનું વજન અને પ્રભાવ એ હદે છે કે અન્ય ક્રિકેટ બોર્ડની કમાણી ભારત જોડે રમીને જ મહત્તમ થતી હોય છે. ભારતીય ક્રિકેટ બોર્ડ સમાંતર આઇસીસી જ છે.
– એશિયા કપ(Asia Cup 2023)નું આયોજન જ પાકિસ્તાનના હાથમાંથી છીનવાઈ જાય તેવી શક્યતા
ભારતીય ક્રિકેટ બોર્ડનો નિર્ણય જ આખરી રહેશે.