ભારત આઝાદ થયું તેની સાથે સાથે ગુજરાત અલગ રાજય ન હતું. ભારત દેશની સ્વતંત્રતા અને ભાગલા પછી ઇ.સ. ૧૯૪૭ના વર્ષમાં ભારત સરકારે પશ્ચિમ ભાગમાં રજવાડાંઓને ભેગાં કરી ત્રણ રાજ્યોની રચના કરી. આ રાજ્યો સૌરાષ્ટ્ર, કચ્છ અને મુંબઈ હતાં. ઇ.સ. ૧૯૫૬ના વર્ષમાં મુંબઈ રાજ્યનો વિસ્તાર કરીને કચ્છ, સૌરાષ્ટ્ર અને હૈદરાબાદ તથા મધ્યપ્રદેશના કેટલાક ભાગો એમાં ઉમેરવામાં આવ્યા. આ નવા રાજ્યમાં ઉત્તર ભાગમાં ગુજરાતી બોલતા લોકો અને દક્ષિણ ભાગમાં મરાઠી બોલતા લોકો હતા. અલગ ગુજરાત લેવા માટે તે વખતમાં ઇન્દુલાલ યાજ્ઞિકની આગેવાનીમાં લડત ચલાવવામાં આવી હતી. કેટલાક દેખાવો અને મરાઠી રાજ્યની માંગ પછી ૧લી મે, ૧૯૬૦ના રોજ મુંબઈ રાજ્યના બે ભાગલા મહારાષ્ટ્ર અને ગુજરાત તરીકે કરવામાં આવ્યા.
આઝાદી પૂર્વે આજનું ગુજરાત ત્રણ અલગ પ્રદેશથી ઓળખાતું હતું – કચ્છ, કાઠિયાવાડ અને ગુજરાત. ત્યારે વડોદરા સૌથી મોટું શહેર હતું અને કાઠિયાવાડ જે ૧૯૪૮માં સૌરાષ્ટ્ર રાજય બન્યું, તેમાં ૨૨૨ રજવાડા હતા. આઝાદી મળી તે પહેલા જ સૌરાષ્ટ્ર-કચ્છ સિવાયનું ગુજરાત મુંબઈ રાજ્યનો ભાગ બની ચુક્યું હતું. ત્યાર બાદ દેશના વડાપ્રધાન જવાહરલાલ નહેરુ એ દેશની આર્થિક રાજધાની કરવા એક અલગ સંઘ પ્રદેશ બનાવવાનું વચન પૂરું પડ્યું હતું.
ગુજરાત ભારત દેશનું ઔદ્યોગીકૃત રાજ્ય છે. ભારતના પશ્ચિમ છેડે આવેલું ગુજરાત પશ્ચિમે અરબી સમુદ્ર, ઉત્તરમાં સિંધ (પાકિસ્તાન), ઉત્તર અને ઉત્તરપૂર્વે રાજસ્થાન, પૂર્વે મધ્ય પ્રદેશ અને દક્ષિણે મહારાષ્ટ્ર રાજ્ય તથા દમણ અને દીવ અને દાદરા અને નગર હવેલીના કેન્દ્રશાસિત પ્રદેશોથી ઘેરાયેલું છે.
ગુજરાત રાજ્યનું નામ ગુજ્જર પરથી પડેલ છે. જેમણે ઇ.સ. ૭૦૦ અને ઇ.સ. ૮૦૦ દરમિયાન અહીં રાજ કર્યું હતું. ગુજરાત રાજ્યની સ્થાપના મે ૧, ૧૯૬૦ના રોજ બૃહદ મુંબઈ રાજ્યમાંથી જ્યાં ગુજરાતી બોલાતી હોય તેવા વિસ્તારો અલગ પાડીને કરવામાં આવી હતી. આ રાજ્ય સિંધુ ખીણ સંસ્કૃતિના પુરાતન અવશેષની પ્રમુખ જગ્યાઓ ધરાવે છે, જેમ કે લોથલ અને ધોળાવીરા. લોથલ દુનિયાનું સૌ પ્રથમ બંદર હતું એવું માનવામાં આવે છે. ગુજરાતના ૨૦૦૦ વર્ષ પૂર્વ રચાયેલ ઇતિહાસમાં ઘણા રાજવીઓ થઇ ગયા છે જેમ કે મૌર્ય, ગુપ્ત, ગુર્જર, ચાલુક્ય, સોલંકી વગેરે.
આ પ્રદેશમાં સૌરાષ્ટ્ર, કચ્છ, કાઠિયાવાડ, હાલાર, પંચાલ, ગોહિલવાડ, ઝાલાવાડ જેવા અનેક સાંસ્કૃતિક અંગો છે. અહીં અઢાર આદિજાતિઓ રહે છે, જેથી અનેક વિવિધતા સમાજમાં, લોકસંસ્કૃતિમાં વગેરેમાં જોવા મળે છે.