આગામી 7મીએ લોકસભાની ચૂંટણીના મતદાનના દિવસે ગરમીનો પારો 42 ડિગ્રી પહોંચે તેવી હવામાન વિભાગની આગાહી કરવામાં આવતાં વહીવટીતંત્ર રીતસરનું મૂંઝવણમાં મુકાઇ ગયું છે. જેના ભાગરૂપે આણંદ જિલ્લામાં 1773 મતદાન મથકોમાં 17.80 લાખ મતદારો કાળઝાળ ગરમીની વચ્ચે વધુમાં વધુ મતદાન કરી શકે તે માટે 390 મતદાન મથકોની ફરતે ગરમીમાં છાંયડો મળી રહેવાના હેતુથી મંડપ તૈયાર કરાશે હજુ પણ અન્ય મતદાન મથકોની યાદી આવ્યાં બાદ વધુ જગ્યાએ મંડપ સહિત અન્ય સાધનસામગ્રી તૈનાત રખાશે.
આણંદ લોકસભા બેઠકની ચૂંટણી શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાવા માટે ચૂંટણી વિભાગમાં હરકતમાં આવી ગયું છે. ત્યારે ચૂંટણી લક્ષી તડામાર તૈયારીઓને અત્યારથી આખરી ઓપ આપી દેવાયો છે. પરંતુ આ વખતે ગરમીનો પ્રકોપની મતદાન પર અસર પડે તેવી સંભાવના રહી છે. બીજી તરફ તંત્રએ વર્ષ 2019માં ગરમીની વચ્ચે 68 ટકા જેટલું મતદાન થયું હોવાથી ચાલુ વર્ષે વધુમાં વધુ મતદાન થાય તે માટે રીતસરના ધમપછાળા શરૂ કરી દેવામાં આવ્યાં છે. આણંદ જિલ્લામાં ખંભાત, તારાપુર, ઉમરેઠ પંથકમાં ગરમીના પ્રકોપ વચ્ચે મતદાન વધુ થઇ શકે તે માટે આણંદ જિલ્લા ચૂંટણી વિભાગ દ્વારા બૂથ મથકો પર છાયડા માટે મંડપ તૈયાર કરવા માટે યાદી તૈયાર કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે પ્રથમ તબક્કામાં 390 મતદાન મથકોની ફરતે મંડપ તૈયાર કરીને છાયડાની વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. જેના થકી મતદારોને કોઇ મુશ્કેલી પડે નહીં તે માટે વિશેષ કાળજી પણ લેવાશે. આરોગ્ય ટીમો પણ સવારે 7થી સાંજના 6 વાગ્યા સુધી તૈનાત રાખવામાં આવશે.