સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા જી.એચ.પટેલ કોલેજ ઓફ એન્જિનિયરીંગ એન્ડ ટેકનોલોજી ખાતે ‘ડ્રાઇવિંગ ડબલ એન્જિન યુવા સંવાદ’ યોજાયો હતો. આ કાર્યક્રમમાં કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવએ વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યુ કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આજે ભારત ટેકનોલોજી ક્ષેત્રે ટોચના દેશોમાં સ્થાન ધરાવતું થયુ છે. આપણે ખુબ જ ટુંકા ગાળામાં પોતાની 5G સેવા ચાલુ કરીને દુનિયાને આ વાતથી પરિચિત કરાવી છે. તેમણે વધુમાં આત્મનિર્ભર ભારતની વાત કરતા કહ્યું કે, આજે આપણે એટલા સક્ષમ બન્યા છે કે આપણે 5G નેટવર્ક માટેના રેડિયો ટ્રાન્સમીટર પણ ભારતમાં જ બનાવીએ છીએ.
આણંદમાં બનશે વર્લ્ડકલાસ રેલવે સ્ટેશન:
દેશના તમામ રેલવે સ્ટેશનમાં(Anand-Railwaystation) રીડેવલપમેન્ટનું કાર્ય થવા જઈ રહ્યા છે. ત્યારે આણંદના રેલવે સ્ટેશનને પણ તમામ સવલતોથી સમૃદ્ધ બનાવી રીડેવલપમેન્ટનું કામ હાથ ધરવામાં આવશે. જેનો મંજૂરી પત્ર આજે આપી દેવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ સાથેના સંવાદમાં આવનાર સમયમાં ભારતની રૂપરેખા અને વિકાસના મુદ્દે પ્રશ્નોત્તરી કરીને વિદ્યાર્થીઓને માહિતી આપી હતી. ઉપસ્થિત વિદ્યાર્થીઓમાંથી 5 વિદ્યાર્થીઓએ તથા કેટલાક ફેકલ્ટી સભ્યોએ સ્વૈચ્છિક રીતે આવનારા 100 દિવસની અંદર આણંદ સ્ટેશન(Anand-Railwaystation) માટેની રીડેવલપ ડિઝાઇન તૈયાર કરવાનું બીડું ઝડપ્યું છે. તેમને સાથે લઈને આ કાર્યને પૂર્ણ કરવામાં આવશે તેમ જણાવી આણંદના સ્ટેશન માટેની ડીઝાઇન બનાવવાનું બીડું ઝડપનારને ધન્યવાદ પાઠવ્યા હતા.
આ કાર્યક્રમ દરમિયાન રેલ મંત્રી વૈષ્ણવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્ટાર્ટ અપ વિઝનની વાત કરતાં કોલેજમાં સ્ટાર્ટઅપ ફેસીલીટી ઉપલબ્ધ બને તે માટે ઇન્કયુબેટર તૈયાર થાય તે માટેની જે કોલેજ અને કેન્દ્ર સરકારના ઇલેકટ્રોનિકસ મંત્રાલય સાથે રહીને કામ કરી શકે તે માટેની મંજૂરી પ્રક્રિયા પૂર્ણ કરવાની સાથે વિદ્યાર્થીઓ અને ઔદ્યોગિક એકમો સાથે કો-ઓર્ડીનેશન થઇ શકે તે માટે કેન્દ્ર સરકારના ઇલેકટ્રોનિકસ અને આઇ.ટી.મંત્રાલય દ્વારા વિદ્યાર્થીઓમાં ફયુચર સ્કીલ આવી શકે તે માટેનું જોડાણ કરી આગામી ત્રણથી ચાર સપ્તાહમાં એક વર્કશોપનું આયોજન કરી ફયુચર સ્કીલ તૈયાર કરવામાં આવનાર હોવાનું ઉમેર્યું હતું.
આમ, આજે અશ્વિની વૈષ્ણવની ઉપસ્થિતિમાં યોજાયેલ આ સંવાદ કાર્યક્રમ દરમિયાન આણંદ જિલ્લા માટે ત્રણ મહત્વની જાહેરાત કરવામાં આવી હતી. આ પ્રસંગે સાંસદ મિતેષભાઈ પટેલે વિશેષ ઉપસ્થિત રહીને કેન્દ્રીય રેલ મંત્રીનું મોમેન્ટો આપી સન્માન કર્યું હતું. આ કાર્યક્રમમાં સી.વી.એમ. યુનિવર્સિટીના વાઈસ પ્રેસિડન્ટ મનીષ પટેલે કાર્યક્રમની રૂપરેખા આપી હતી. જ્યારે કાર્યક્રમના અંતે સીવીએમ યુનિવર્સિટીના જોઈન્ટ સેક્રેટરી મેહુલભાઈ પટેલ આભાર વિધિ કરી હતી. કાર્યક્રમમાં ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદભાઇ પરમાર, ચારુતર વિદ્યામંડલના સેક્રેટરી એસ.જી.પટેલ, સ્વામી વિવેકાનંદ ગુજરાત યુવા બોર્ડના પ્રદેશ સંયોજક કૌશલ દવે, જગત પટેલ તથા અગ્રણી નીરવ અમીન ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે મોટી સંખ્યામાં ઉપસ્થિત કોલેજના વિદ્યાર્થીઓએ રેલ મંત્રી સાથે સંવાદ સાંધ્યો હતો.