‘અમે અમારા છોકરાને દૂધની થેલી નથી પીવડાવતા અને એક કંપનીને આપી દેવા પડે છે તેવો સમય આવ્યો છે.’
પેટ્રોલ-ડીઝલના વધતા ભાવથી (Petrol-Diesel price) સામાન્ય વર્ગ ત્રાહિમામ પોકારી ગયો છે. બીજી તરફ પેટ્રોલ-ડીઝલના ભાવ વધતા લોકો હવે સીએનજી (CNG price rise) તરફ વળ્યા છે. જોકે, સીએનજીના ભાવમાં પણ હવે ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં છેલ્લા એક અઠવાડિયામાં જ સીએનજીના ભાવમાં પ્રતિ એક કિલોગ્રામે 5.19 રૂપિયાનો વધારો ઝીંકાયો છે. સતત વધી રહેલા ભાવનો રિક્ષા ચાલકોએ પણ વિરોધ નોંધાવ્યો છે. સાથે જ તેમણે ભાવ વધારો નહીં અટકે તો વિરોધ પ્રદર્શન કરવાની ચીમકી ઉચ્ચારી છે. અમદાવાદમાં આજે (12 ઓક્ટોબર) અદાણી ગેસના ભાવમાં પ્રતિ કિલોગ્રામે 1.63 રૂપિયાનો વધારો (Adani CNG price) કરાયો છે. જે બાદમાં નવો ભાવ 61.49 રૂપિયા પ્રતિ એક કિલોગ્રામ થયો છે.
રિક્ષા યૂનિયને ભાવ વધારો પરત લેવા કરી માંગ
પેટ્રોલ-ડીઝલ બાદ સીએનજીના ભડકે બળતા ભાવથી રિક્ષા ચાલકોની મુશ્કેલી વધી રહી છે. ત્યારે અમદાવાદ રિક્ષા યૂનિયન (Ahmedbad Auto Rikshaw Union) તરફથી જો ભાવ વધારો પરત નહીં ખેચવામાં આવે તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. અમદાવાદ રિક્ષા યૂનિયનના પ્રમુખ વિજયભાઈએ આ મામલે ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, “ખૂબ જ અસહ્ય ભાવ વધારો છે. વખતો વખત સરકારને જાણ કરીએ છીએ કે ભાવ વધારો થઈ રહ્યો છે તે ખોટું છે. સરકારે આ કંપનીઓ પર નિયંત્રણ રાખવું જોઈએ. 6-12 મહિના ભાવ વધે તો યોગ્ય છે. રિક્ષાનું ભાડું પણ એક વર્ષે વધતું હોય છે. છેલ્લા ત્રણ વર્ષથી રિક્ષા ભાડું વધાર્યું નથી.”
‘સરકારે કંપનીને બેફામ ભાવ વધારાની છૂટ આપી’
“રજુઆતો કરીએ છીએ પરંતુ સરકાર એક કંપનીની ગુલામ બની હોય તેમ તેને મનફાવે તેમ કરવાની છૂટ આપે છે. સરકાર જનતા કે ગરીબ લોકોનું જોતી નથી. અઠવાડિયામાં જે 5.19 રૂપિયાનો વધારો થયો છે તે ખૂબ જ અસહ્ય છે. જો એક ડ્રાઇવરે દિવસે ચાર કિલો ગેસ પૂરાવે તે તેના પર દિવસે 20 રૂપિાયાનો ભાર આવે છે. અમે અમારા છોકરાને દૂધની થેલી નથી પીવડાવતા અને એક કંપનીને આપી દેવા પડે છે તેવો સમય આવ્યો છે. આટલી મોટી કંપનીએ ભાવ વધારો કરવો પડે છે તો અમે તો ગરીબ લોકો છીએ.”
ગુજરાતના વિવિધ શહેરમાં CNGનો ભાવ: (અદાણી ગેસ વેબસાઇટ પ્રમાણે)
અમદાવાદ: 61.49 રૂપિયા પ્રતિ કિલોગ્રામ
સુરેન્દ્રનગર: 60.49 રૂપિયા પ્રતિ કિલોગ્રામ
ખેડા: 60.49 રૂપિયા પ્રતિ કિલોગ્રામ
વડોદરા: 59.95 રૂપિયા પ્રતિ કિલોગ્રામ
નવસારી: 60.49 રૂપિયા પ્રતિ કિલોગ્રામ
પોરબંદર: 67.06 રૂપિયા પ્રતિ કિલોગ્રામ
પેટ્રોલ-ડીઝલના વધતા ભાવથી લોકો CNG તરફ વળ્યાં
દેશમાં પેટ્રોલ અને ડીઝલના વધી રહેલા ભાવથી કંટાળીને લોકો હવે સીએનજી તરફ વળ્યા છે. ભાવમાં અસહ્ય વધારા બાદ લોકો પોતાની પેટ્રોલ કારને સીએનજીમાં કન્વર્ટ કરી રહ્યા છે. બીજી તરફ કાર ઉત્પાદક કંપનીઓએ પણ આ તકને ઝડપી લીધી છે. તેમણે પણે પોતાની કારના સીએનજી વેરિએન્ટ લોંચ કર્યાં છે. અનેક કંપનીઓ આગામી દિવસોમાં વિવિધ કંપનીઓના સીએનીજી વેરિએન્ટ બજારમાં આવશે. જોકે, પેટ્રોલ-ડીઝલથી કંટાળીને સીએનજી તરફ વળેલા લોકોને સીએનજીમાં પણ ભાવ વધારો થતાં ઝટકા લાગ્યો છે.