Google Pixel 6 Launch Date: ગૂગલના મહત્વાકાંક્ષી Pixel 6 સિરીઝના લૉંચ માટેની સત્તાવાર તારીખ જાહેર થઈ ગઈ છે. આગામી 19 ઓક્ટોબરના રોજ રાત્રે 10:30 કલાકે વર્ચ્યુઅલ ઈવેન્ટમાં Pixel 6 સિરીઝ પરથી પડદો ઊંચકાશે.
આ બાબતે કંપનીએ કરેલી જાહેરાતમાં જણાવાયું છે કે, 19 ઓક્ટોબરના રોજ અમે સત્તાવાર રીતે Pixel 6 અને Pixel 6 pro લૉંચ કરીશું. આ ફોન સંપૂર્ણપણે નવા ગૂગલ સ્માર્ટફોન (Google smartphone) હશે. જે ગૂગલની પ્રથમ કસ્ટમ મોબાઇલ ચિપ ટેન્સર દ્વારા સંચાલિત હશે. આ ફોન ઝડપી, સ્માર્ટ અને સુરક્ષિત છે.
આમ તો ગૂગલ Pixel દર વર્ષે બજારમાં મૂકાય છે. પરંતુ આ વર્ષે ગૂગલના Pixel 6 અને Pixel 6 proમાં ગૂગલના ઈન-હાઉસ ટેન્સર ચિપસેટ હોવાથી હાઇપ વધુ છે. જોકે, Pixel 6 અને Pixel 6 PRO અંગે વધુ જાણકારી સામે આવી નથી.
ઉલ્લેખનીય છે કે, ગૂગલે સૌ પ્રથમ ઓગસ્ટમાં Pixel 6 અને Pixel 6 Proની સત્તાવાર જાહેરાત કરી હતી. જ્યાં કંપનીએ Pixel 6 સ્માર્ટફોન કંપનીના ઈન-હાઉસ ટેન્સર ચિપસેટ સાથે આવશે તેવું કહ્યું હતું. આ ચિપ Pixelના કેમેરા અને AI ક્ષમતાઓને વધુ ઓપ્ટિમાઇઝ કરવામાં મદદ કરશે, તેવો દાવો કરવામાં આવ્યો હતો.
Pixel 6 Proનો કેમેરા
Pixel 6 Pro ટ્રિપલ રિયર કેમેરા સાથે આવશે. અહેવાલો મુજબ Pixel 6 Proના કેમેરા દમદાર હશે. તેમાં ટ્રિપલ રિયર કેમેરામાં 50 MPનું સેમસંગ GN1 શૂટર, 12 MPનું IMX386 અલ્ટ્રા-વાઇડ એંગલ શૂટર અને 48 MPનું IMX586 4X ઝૂમ ટેલિફોટો શૂટર મળશે. જ્યારે આગળની તરફ 12 MPનો સોની IMX663 કેમેરો હશે.
Pixel 6ના કેમેરા
Pixel 6ના UI પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. Pixel 6 વેનીલા ડ્યુલ કેમેરા સેટઅપ સાથે આવશે. Pixel 6માં પિક્સેલ 6 Pro જેવા જ પ્રાઇમરી અને અલ્ટ્રા-વાઇડ કેમેરા મળશે. પરંતુ 4X ઝૂમ ટેલિફોટો શૂટર નહીં હોય. આગળની તરફ 8 MPનો કેમેરો હશે.
Pixel 6માં 90Hzના રિફ્રેશ રેટ સાથે 6.4 ઇંચની ફુલ એચડી પ્લસ (FHD+) એમોલેડ ડિસ્પ્લે મળશે. બીજી તરફ Pixel 6 Proમાં 120Hzના રિફ્રેશ રેટ સાથે 6.7 ઇંચની ક્યુએચડી પ્લસ (QHD+) એમોલેડ ડિસ્પ્લે મળશે. બંને સ્માર્ટફોન પંચ-હોલ ડિસ્પ્લે ડિઝાઇન અને ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર સાથે આવશે.