તંત્ર એલર્ટ :
અગાઉ પાણીની લાઇન લીક થતાં બોરસદ ચોકડી પરનો ઓવરબ્રિજ તૂટ્યો હતો, હવે લાઇન કાઢી તળિયેથી પુરાણ કરાશે.(Anand-Bridges-Morbi)
- ઉમરેઠ ઓડ બ્રિજ – નીચેના ભાગેપોપડા ઉખડેલા છે ,
- આણંદ ભાલેજ બ્રિજ – બંને સાઇડમાં ગાબડા ,
- કિંખલોડ બોરસદ બ્રિજ – સંરક્ષણ દિવાલ જર્જરિત
જિલ્લામાં આવેલા પાંચ ઓવરબ્રિજની તાત્કાલિક મુલાકાત લઇને ચકાસણી
મોરબી ઝુલતા પુલની દુર્ઘટના બાદ રાજય સરકારના આદેશથી વહીવટી તંત્ર જાગ્યું છે. આણંદ જિલ્લા માર્ગ મકાન વિભાગ અને દાંડી વિભાગ દ્વારા જિલ્લામાં આવેલા પાંચ ઓવરબ્રિજની તાત્કાલિક મુલાકાત લઇને ચકાસણી કરવામાં આવી હતી. જેમાં માર્ગ મકાન વિભાગને ત્રણ જેટલા ઓવરબ્રિજમાં સામાન્ય ક્ષતિઓ મળી આવી હતી. જેનું તાત્કાલિક સમારકામ કરીને અધિકારીઓ મુલાકાત લઇને રિપોર્ટ તૈયાર કરીને સરકારને મોકલી આપ્યો છે. આ ઉપરાંત જિલ્લામાં આવેલા તમામ માર્ગો પરના નાના મોટા પુલની ચકાસણી કરીને ક્ષતિઓ દૂર કરવામાં આવશે તેમ માર્ગ મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર જે.એમ.ભરાડીયાએ જણાવ્યું હતું.
આણંદ જિલ્લાના ઉમરેઠ ગામે ઓડ ગામને જોડતા રેલવે ફાટક પર આવેલા બ્રિજની ચકાસણી કરતાં નાની ક્ષતિઓ જેવી કે પુલ નીચેના ભાગે પોપડા ઉખડી ગયા હતા. તેમજ ઝાંડી ઝાંખરા અને બિસ્માર હાલત હોવાનું જણાતાં તાત્કાલિક તેનું સમારકામ કરવા આવ્યું છે. જયારે બોરસદ ભાદરણ કિંખલોડ માર્ગ પર આવેલ બ્રિજની બંને બાજુની સંરક્ષણ દિવાલોમાં નાની મોટી ક્ષતિ દૂર કરવામાં આવી છે. જયારે આણંદ ભાલેજ ઓવરબ્રિજ સામાન્ય ગાબડા પુરવામાં આવ્યા છે. આ ઉપરાંત ચિખોદરા બ્રિજ સહિત અન્ય બ્રિજનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ત્યાર કાર્યપાલક ઇજનરે સુચના મુજબ જરૂરી કામ કર્યા બાદ તેનો રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે.
આણંદ બોરસદ ચોકડી રેલવે ફાટક પર ત્રિપાંખિયા બ્રિજની કામગીરી પૂર્ણ થવા આવી હતી. ત્યારે ચામુંડા મંદિર પાસે બ્રિજની નીચેથી પસાર થતી મુખ્ય પાણીની પાઇપ લાઇનમાં ભંગાણ પડતાં બ્રિજ તૂટી પડ્યો હતો. સદનસીબે બ્રિજ ખુલ્લો મુકાયો ન હોવાથી કોઇ દુર્ઘટના બની ન હતી.
ત્રણ દિવસ અગાઉ મોરબીમાં સર્જાયેલી ઘટના બાદ સરકાર જાગી
ત્રણ દિવસ અગાઉ મોરબીમાં સર્જાયેલી ગોઝારી ઘટના બાદ સરકાર જાગી હતી. રાજ્યમાં વર્ષો જૂના બ્રિજ અને નવા બની રહેલા બ્રિજની ચકાસણી કરીને રિપોર્ટ મોકલી આપવા જણાવ્યું હતું. દાંડી વિભાગે જણાવ્યું હતું કે,એક વખત પીવાના પાણીની પાઇપ લાઇન લીકેજ થતાં બ્રિજ તૂટી પડ્યો હતો. જેથી નિષ્ણાંત ઇજનેરોની સલાહ મુજબ હવે બ્રિજ નીચે એક પણ પાણીની પાઇપ લાઇન નહીં રખાય અને ઠેઠ તળિયાથી પુરાણ કરવામાં આવશે.
સ્થળ તપાસ બાદ રિપોર્ટ તૈયાર કરાયો, કોઈ મોટી ક્ષતિ મળી નથી
આણંદ જિલ્લા માર્ગ મકાન વિભાગ હેઠળ આવતાં જિલ્લાના ઉમરેઠ ઓડ રોડ ઓવરબ્રિજ,બોરસદ, ભાદરણ -કિંખલોડ, ભાલેજ ઓવરબ્રિજ સહિત નાના મોટા બ્રિજની સ્થળ મુલાકાત લઇને તપાસ કરવામાં આવી હતી. જેમાં નાનુંમોટું સમારકામ કરવામાં આવ્યું છે. કોઇ બ્રિજને મોટુ નુકશાન કે ક્ષતિ જોવા મળી નથી. જેથી તેનો રીપોર્ટ તૈયાર કરીને સરકારમાં મોકલી આપ્યો છે.(Anand-Bridges-Morbi)