નડિયાદ ના નવા બસ સ્ટેન્ડ ના નિર્માણ માટે કાગ પૂર્વક જોવાતી રાહ ….
નડિયાદ શહેર જિલ્લાનું મુખ્ય મથક હોઈ જિલ્લાના ખૂણે ખૂણેથી લોકોની અવરજવર રહે છે. શહેરમાં વર્ષો જૂનું બસ સ્ટેશન તેમજ ત્રણેક દાયકા પહેલા નવું બસ સ્ટેશન બનાવવામાં આવ્યું હતું. નવું બસ સ્ટેશન કાર્યરત થયા બાદ મોટાભાગની બસોનું નવા બસ સ્ટેશનમાંથી સંચાલન થતું હતું. ત્યારે સરકાર દ્વારા મજબૂત બાંધકામ ધરાવતું બસ સ્ટેશન તોડી પાડી તેના સ્થાને નવું આઈકોનિક બસ સ્ટેશન બનાવવા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
આ બસ સ્ટેશનના ખાતમુહૂર્તને છ વર્ષ જેટલો સમય થવા આવ્યો હોવા છતાં હજુ નવા બસ સ્ટેશનમાં તેના પાયાનું કામ પણ શરૂ થયું નથી. બીજી બાજુ વર્ષો જૂના બસ સ્ટેશનમાં સુવિધાનો અભાવ જોવા મળે છે. આણંદ ડાકોર તરફના પ્લેટફોર્મ પર તો બપોર પછી ધોમધખતા તાપને કારણે મુસાફરોને ઉભું રહેવું દુષ્કર બને છે. નવા બસ સ્ટેશનના કામ રેલવે વિવાદના કારણે અટકી ગયું હોવાનું બહાર આવ્યું છે, પરંતુ રેલવે સાથેના વિવાદ ઉકેલાઈ ગયા બાદ પણ બે વર્ષ ઉપરાંતનો સમય થવા છતાં બસ સ્ટેશનનું કામ ખોરંભે પડેલું જોવા મળી રહ્યું છે.