આણંદ લોકસભા બેઠક પર ભાજપ -કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર જોવા મળી રહી છે. છેલ્લાં 15 દિવસથી પૂર જોશમાં ગામે ગામ રેલી, જાહેરસભા સહિતના કાર્યક્રમો યોજીને ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો હતો. તેમ છતાં ગત લોકસભાની ચૂંટણી જેવો માહોલ આ વખતે લોકોમાં જોવા મળ્યો ન હતો. રવિવારે ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થતાં ગ્રામ્ય વિસ્તારોની મુલાકાત લેતા માહોલ અલગ જોવા મળ્યા હતો. બંને રાજકીય પક્ષોએ આ વખતે દારૂની બંધીને નાથવાના હેતુથી દારૂ નહીં વહેંચવાનો નિર્ણય લીધો છે. જો કે રાજકીય પક્ષોએ આ વખતે કોઇ સમાજ સાથે સીધા જવાનું ટાળીને હવે કેટલાંક મળતિયા સાથે રાખીને વિવિધ સમાજ માટે ભોજન સમારોહ યોજીને મતદારો મનાવવાના પ્રયાસો થઇ રહ્યાં છે. જ્યારે વિવિધ સમાજના યુવકોને રમતગમતના સાધનો અને ભજનમંડળોને જરૂરી સાધનો સોમવાર સાંજ સુધી પહોંચતા કરીને કાળઝાળ ગરમીમાં મતદારોને પોતાના મતદાન મથકો પર લાવવાના પ્રયાસો થઇ રહ્યાં છે.
લોકોમાં ગત ટર્મ જેટલો ઉત્સાહ બંનેમાંથી એક પણ ઉમેદવાર માટે બતાવ્યો નથી. છેલ્લા 36 કલાકમાં મતદારોને પોતાની તરફેણમાં કરવા માટે અવનવા પેતરા અપનાવી રહ્યાં છે. જો કે દર વખતે ગ્રામ્ય વિસ્તારમાં રાજકીય પક્ષો દ્વારા ધૂમ દારૂનું વિતરણ કરવામાં આવતું હતું. પરંતુ દારૂની બંદી નાથવા માટે આ વખતે ભાજપ કોંગ્રેસ બંનેએ દારૂનું વિતરણ નહીં કરવાનો નિર્ણય લીધો હતો. હાલમાં તો બંને પક્ષોના ઉમેદવારો દૂર રહીને પોતાના અંગત માણસો થકી જે તે ગામમાં દરેક સમાજમાં ચા પાણીને નાસ્તાની તેમજ કેટલાંક ગામોમાં જમણવાર યોજીને મતદારો પોતાની તરફેણ કરવાના પ્રયાસો હાથ ધર્યા છે. બોરસદ તાલુકાના એક ગામામાં એક રાજકીય પક્ષે તો એક સમાજના ભજન મંડળને તમામ સાધન-સામગ્રી પણ લઇ આપી હોવાનું ચર્ચાઇ રહ્યું છે.
આગામી 36 કલાક સુધી ઉમેદવારો તેમના કાર્યકરો તમામ બાબતો બાજુએ રાખીને મતદારોને મનવા માટે અવનવા પૈતરાં રચી રહ્યાં હતાં. ત્યારે જોવાનું એ રહે છે. છેલ્લાં 36 કલાકમાં જે રાજકીય પક્ષ દરેક સમાજને મનાવવામાં સફળ થસે તેનું પલુ ભારે રહેવાની સંભાવના છે. ભાજપ -કોંગ્રેસ દ્વારા આજ બપોર બાદ તમામ ગામોમાં પોતાના કાર્યકરો અને નેતાઓને જે તે ગામ વહેચીં દઇને મત પોતાની તરફેણ કરવા માટે કામ લગાડી દીધા હતાં. કેટલાંક સમાજનને સૌગંધ આપી તોકેટલાંક સમાજને સમાજ માટે ઉપયોગી વસ્તુઓ, મંડળોને ખૂટતી વસ્તુઓ તાત્કાલિક લઇ આપીને પોતાની તરફેણ મતદાન કરવા માટે મનાવી લેવાની કામગીરી સોંપી છે. કેટલાંક ગામો તો વખતે ઉમેદવાર પાસે ગામની જરૂરીયાત મુજબ બાકી રહેલા કામોના લીસ્ટ આપીને ખાતરી આપનાર ઉમેદવારને મત આપવાનો નિર્ણય કર્યો છે. તેવા ગામોમાં એક રાજકીય નેતાઓ સાથે ટીમ બનાવીને તેમને મોકલવામાં આવશે તેઓને કોઇ પણ ભોગ મનાવી લેવાની કામગીરી સોંપી છે. હાલતો કાર્યકરો માટે ઘી કેળા જેવા માહોલ છે.