- મહારાષ્ટ્રમાં શુક્રવારે એક જ દિવસમાં 89 લોકોના વરસાદી આફતના કારણે મોત નિપજ્યા છે.
- સૌથી વધુ રાયગડ જિલ્લામાં 59, રત્નાગિરીમાં 25, સિંધુદુર્ગમાં 1 અને સતારા જિલ્લામાં 14 લોકોના મોત થયા છે.
- બે દિવસથી અનેક વિસ્તારમાં સતત વરસાદ વરસી રહ્યો છે જેના કારણે બચાવ કાર્યમાં પણ અડચણ આવી રહી છે.
મહારાષ્ટ્રમાં પાછલા બે દિવસથી વરસાદ જાણે જળ પ્રલય કરવો હોય તેમ તબાહી મચાવી રહ્યો છે. ભારે વરસાદના કારણે ઠેકઠેકાણે થયેલા ભૂસ્ખલનમાં 129 લોકોના મોત થયા છે. જ્યારે પુણે મંડળમાં આવતા પુણે, કોલ્હાપુર, સાંગલી અને સતારા જિલ્લાના અનેક વિસ્તારોમંથી શુક્રવારે 84,452 લોકોને સુરક્ષિત સ્થાને સ્થળાંતર કરવામાં આવ્યા હતા. રાયગડની જેમ સતારા જિલ્લામાં પણ ભારે વરસાદથી પૂર અને ભૂસ્ખલનની ઘટનાઓ બની છે અને અનેક લોકો ખૂબ જ ખરાબ રીતે પ્રભાવિત બન્યા છે. તેવામાં હવામાન વિભાગે શુક્રવારે સાંજે મહારાષ્ટ્રના સતારા જિલ્લા માટે એક નવું રેડ એલર્ટ જાહેર કર્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે આગામી 24 કલાક જિલ્લાના ઉંચાઈવાળા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. ભારે વરસાદની આગાહીને પગલે જિલ્લા તંત્ર એક્ટિવ બન્યું છે અને નિચાણવાળા વિસ્તારો સહિત ભૂસ્ખલનનું જોખમ હોય તેવા વિસ્તારોમાંથી લોકોને દૂર ખસવા માટે કહેવાયું છે.
ગુરવારથી પડી રહેલા ભારે વરસાદના પગલે મહારાષ્ટ્રના કોલ્હાપુર જિલ્લામાં શુક્રવારે વહેલી સવારે એક બસ અચાનક વધેલા પૂરના પાણીમાં ફસાઈ ગઈ હતી. રેસ્ક્યુ ઓપરેશન કરીને 8 નેપાળી શ્રમિકો સહિત કુલ 11 લોકોને બચાવવામાં આવ્યા છે. તો રત્નાગિરિ જિલ્લામાં પણ ભારે વરસાદના પગલે ભૂસ્ખલન થયું છે અને 10 લોકો તેના કાટમાળ હેઠળ દટાયા હોવાની આશંકા સેવવામાં આવી રહી છે. મહારાષ્ટ્રમાં છેલ્લા 48 કલાકમાં વરસાદી હોનારતના કારણે મરનારાઓની સંખ્યા વધીને 129 થઈ ગઈ છે.
પુણે અને કોલ્હાપુર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદના પગલે નદીઓ તેની ભયજનક સપાટીથી ઉપર વહી રહી હોવાથી નદી કિનારા અને નિચાણવાળા વિસ્તારોમાંથી કુલ 84,452 લોકોને સુરક્ષિત ઠેકાણે લઈ જવામાં આવ્યા છે. જેમાંથી 40 હજાર કરતા પણ વધુ લોકો એકલા કોલ્હાપુર જિલ્લામાંથી છે. અધિકારીઓએ કહ્યું કે કોલ્હાપુર પાસે આવેલી પંચગંગા નદી 2019માં આવેલી હોનારત કરતા પણ વધુ ઉંચા સ્તરે વહી રહી છે.
રાજ્યના મહેસૂલ મંત્રી બાળાસાહેબ થોરાતે માહિતી આપતાં કહ્યું કે ગુરવારે શરું થયેલા મૂશળધાર વરસાદ બાદ રાયગડ, રત્નાગિરી અને સતારા જિલ્લામાં કૂલ મળીને 5 જગ્યાએ ભૂસ્ખલનની ઘટના બની છે. મહાડ તાલુકાના તળઈ ગામમાં ભયાનક ભૂસ્ખલનની ઘટનામાં 35 લોકોના મોત થયા છે અને હજુ પણ મૃત્યુઆંક વધે તેવી શક્યતા છે. અનેક વિસ્તારમાં આવેલા પૂરમાં પણ જાનમાલનું નુકસાન થયું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 129 લોકોના મોત છેલ્લા બે દિવસથી શરું ભારેથી અતિભારે વરસાદના કારણે થયા છે.