પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં એક પેસેન્જર બસ અને ટ્રકની ટક્કરમાં ૩૦ લોકોનાં મોત થયા હતા અને 74 લોકો ઘાયલ થયા છે.પાકિસ્તાનના પંજાબ પ્રાંતના ડેરા ગાઝી ખાન જિલ્લામાં સોમવારે એક હાઈવે પર એક પેસેન્જર બસ ટ્રક સાથે ટકરાતા 30 લોકોનાં મોત થયા છે. મોટાભાગની જાનહાનિ એવા કામદારોની છે જેઓ ઈદ-ઉલ-અઝહાની ઉજવણી કરવા માટે તેમના વતન જઈ રહ્યા હતા.
અધિકારીઓએ જણાવ્યું હતું કે બસ સિયાલકોટથી રાજનપુર જઇ રહી હતી ત્યારે તે ડેરા ગાઝી ખાન જિલ્લાના તૌંસા બાયપાસ નજીક સિંધુ હાઇવે ઉપર અકસ્માત સર્જાયો હતો. ડેરા ગાઝી ખાન જિલ્લો લાહોરથી આશરે 430 કિમી દૂર સ્થિત છે. બસના મોટાભાગના કામદારો ઇદ-ઉલ-અધાની ઉજવણી કરવા માટે તેમના વતન જતા હતા. ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલના તબીબી સ્ટાફે જણાવ્યું હતું કે હોસ્પિટલમાં પહોંચતા પહેલા જ 18 લોકોનાં મોત નીપજ્યાં હતાં.
પાકિસ્તાનના માહિતી અને પ્રસારણ પ્રધાન ફવાદ ચૌધરીએ પુષ્ટિ આપી હતી કે ડેરા ગાઝી ખાન નજીક થયેલા અકસ્માતમાં ઓછામાં ઓછા 30 લોકોનાં મોત થયાં છે. તેમણે જાહેર વાહન ચાલકોને સાવચેતી સાથે વાહન ચલાવવાની અપીલ કરી હતી. એક પોલીસ અધિકારીએ ઇજાગ્રસ્ત મુસાફરોને ટાંકીને જણાવ્યું છે કે બસના ડ્રાઇવરને નિદ્રા આવી હોવાનું જણાયું હતું અને વાહન પર કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો.
પંજાબના મુખ્યમંત્રી ઉસ્માન બુઝદારે આ ઘટના પર દુખ વ્યક્ત કર્યું હતું પરંતુ પીડિતોને કોઈ વળતરની જાહેરાત કરી નથી. પાકિસ્તાનમાં માર્ગ અકસ્માત અવારનવાર બનતા રહે છે અને તેમાંના મોટાભાગના વાહનોની અતિ ઝડપી ગતિ, ખરાબ રસ્તાઓ અને પ્રશિક્ષિત ડ્રાઇવરોને કારણે થાય છે.